લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) વિસ્તારમાં પંજાબથી આવતા હેરોઇનના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કાર્યવાહી કરીને 14.400 ગ્રામ હેરોઇન સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં એક આરોપી ફરાર છે અને નશાના આંતરરાજ્ય કારોબારનું પંજાબ કનેક્શન સામે આવ્યું છે.
પોલીસ દ્વારા લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) વિસ્તારમાં નશીલા પદાર્થોના વેપાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 3 મે, 2026 ના રોજ જોગવડ પાટિયાથી જોગવડ ગામ તરફ જતા રસ્તે, સ્કૂલ નજીક જનરલ સ્ટોર પાછળની ગલીમાં આવેલા એક ભાડાના મકાનમાં રેડ કરીને પોલીસે હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ કામગીરી દરમિયાન પોલીસે મૂળ પંજાબના બે આરોપીઓ હરજીતસિંહ ગુરદીપસિંહ મજબી (ઉંમર 38, મૂળ અમૃતસર, હાલ જોગવડ વિસ્તાર) અને અજીજ શાહ
(ઉંમર 32, મૂળ અમૃતસર, હાલ જોગવડ વિસ્તાર) ને ઝડપી પાડ્યા હતા. કુલવિંદરસિંહ ગુરદીપસિંહ મજબી નામનો આરોપી હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસ તપાસ ચલાવી રહી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ફરાર આરોપી પાસેથી ગેરકાયદેસર રીતે ઓપિયમ આધારિત નશીલા પદાર્થો (હેરોઇન, મોર્ફિન, કોડીન) મેળવી રાખ્યા હતા. પોલીસે કુલ 14.400 ગ્રામ હેરોઇન, જેની કિંમત અંદાજે રૂ. 2,88,000 છે, તે ઉપરાંત બે મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000), એક વજન કાંટો, રોકડ રૂ. 950 અને નાના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના ટુકડાઓ સહિત કુલ રૂ. 2,99,450 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

