સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત થતા જ ગૃહિણીઓ દ્વારા આખા વર્ષના મસાલા ભરવાની સીઝન શરૂ થઈ ગઈ છે. આ તકનો લાભ ઉઠાવીને કેટલાક લેભાગુ તત્વો જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી મસાલામાં ભેળસેળ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી.
જેને પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને ફૂડ ઇન્સ્પેક્શનની ટીમો એક્શન મોડમાં આવી હતી. 9 ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની વિવિધ ટીમો બનાવી મસાલાના મોટા વિક્રેતાઓ અને ઉત્પાદકોને ત્યાં સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન ફૂડ વિભાગે 20 મસાલાના સેમ્પલ એકત્ર કર્યાં છે, જે જનતાના આરોગ્યની સુરક્ષા માટે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે.
વિવિધ મસાલાના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા આજની આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર મયંક પટેલ અને તેમની ટીમે શહેરના ખૂણેખૂણેથી હળદર પાવડર, મરચું પાવડર, ધાણાજીરું, અજમો અને જીરું જેવા રોજના વપરાશના મુખ્ય મસાલાઓના નમૂના લીધા છે. મયંક પટેલે જણાવ્યું હતું કે, અમે લીધેલા તમામ સેમ્પલને તાત્કાલિક તપાસ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ સેમ્પલ્સમાં કૃત્રિમ રંગો, લાકડાનો વહેર કે અન્ય હાનિકારક પદાર્થોની ભેળસેળ છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવશે.
દરેક ઝોનમાં 10થી 12 દુકાન પર ચેકિંગ મનપાના ફૂડ વિભાગે આ મિશનને ખૂબ જ આયોજનબદ્ધ રીતે પાર પાડ્યું હતું. શહેરના દરેક ઝોન દીઠ અંદાજે 10થી 12 દુકાનો અને પ્રોસેસિંગ યુનિટોમાં તપાસ કરવામાં આવી હતી. આખા શહેરમાં 100થી વધુ સ્થળે ફૂડ ઓફિસરો ત્રાટક્યા હતા. વેપારીઓ પાસે લાયસન્સની વિગતો, મસાલાનો જથ્થો અને સંગ્રહ કરવાની પદ્ધતિ અંગે પણ પૃચ્છા કરવામાં આવી હતી. તંત્રની આ અચાનક કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આ નમૂનાઓની ચકાસણી કરવામાં આવશે. જો લેબોરેટરી રિપોર્ટમાં કોઈ પણ નમૂનો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ (FSSAI)ના ધારાધોરણો મુજબ ‘સબ-સ્ટાન્ડર્ડ’ કે ‘અનસેફ’ માલુમ પડશે, તો જે-તે પેઢી કે સંસ્થા વિરુદ્ધ કડક કાયદેસરના પગલાં લેવામાં આવશે. તંત્ર દ્વારા આ બાબતે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવશે. જેમાં ભારે દંડ અને લાયસન્સ રદ કરવા સુધીની જોગવાઈઓ સામેલ છે. જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈ પણ વેપારીને છોડવામાં નહીં આવે તેવી સ્પષ્ટ ચીમકી તંત્રએ આપી છે.

