Gujarat

ઉત્તર ગુજરાતની 50 ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝનોની 10 હજાર બેઠકો રદ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા 38 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આ વર્ષે શૈક્ષણિક વર્ષ 2026 -27 માટે લેવાયેલા એક ચોંકાવનારા નિર્ણય લેવાયો છે. જેમાં ઉત્તર ગુજરાતની અંદાજે 50 જેટલી ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઇનાન્સ (SF) ડિવિઝનોની અંદાજે 10 હજાર જેટલી બેઠકો રદ કરી દેવામાં આવી છે. ગ્રાન્ટેડ કોલેજો હવે માત્ર સરકાર દ્વારા મંજૂર કરેલી બેઠકો ઉપર જ પ્રવેશ પ્રક્રિયા કરી શકશે.

યુનિવર્સિટી દ્વારા સરકારની સૂચના મુજબ પરિપત્ર કરી કોલેજોને આદેશ કરવામાં આવ્યો છે જેમાં હવેથી ગ્રાન્ટેડ કોલેજોએ માત્ર તેમના મૂળ મંજૂર થયેલા સરકારી ડિવિઝનો પર જ પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે. લાંબા સમયથી સરકારની સૈદ્ધાંતિક મંજૂરી વગર ગ્રાન્ટેડ કોલેજોમાં સ્ટાફની અછત અને સુવિધાઓના અભાવ હોવા છતાં વધારાના સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝનો ચલાવવામાં આવતા હતા, જેના પર હવે યુનિવર્સિટીએ લાલ આંખ કરી છે.

યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, આર્ટસ, કોમર્સ, સાયન્સ અને રૂરલ સ્ટડીઝની કુલ 72 કોલેજો (એન્ટ્રી મુજબ) માટે બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં આર્ટસમાં સેક્શન દીઠ 130 અને સાયન્સમાં 120 બેઠકોની ક્ષમતા રાખવામાં આવી છે. આ બેઠકોમાં વધારાની 10% EWS બેઠકો ઉમેરીને પ્રવેશ પ્રક્રિયાની સૂચના અપાઈ છે. જોકે, જે કોલેજો ગ્રાન્ટેડ હોવા છતાં વધારાના સેલ્ફ ફાઇનાન્સ ક્લાસ ચલાવતી હતી, તેમને આ વખતે મંજૂરી અપાઈ નથી.