જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ચાર દિવસ પૂર્વે કરાયેલા ડિમોલેશનના વિરોધમાં આજે સમગ્ર આહિર સમાજ એકજુથ થયો હતો. સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. તેમણે “નંદુમાંનો આશરો હતો અને કાયમ રહેશે, આહિરનો આશરો હતો અને કાયમ રહેશે” જેવા સૂત્રોચ્ચારો સાથે નંદુમાંના આશ્રયસ્થાનને ફરીથી ઊભું કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ, ડિમોલેશન દરમિયાન આહિર સમાજના વૃદ્ધ દંપતી નંદુબેન બેલા અને નારણભાઈ બેલા સાથે તંત્ર દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં, સમાજના લોકોએ જ્ઞાતિના પ્રમુખ રણમલભાઈ કાંબરીયાની આગેવાનીમાં એક બેઠક યોજી હતી અને ત્યારબાદ સ્થળ પર પહોંચી એકતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે જે જગ્યા પર આશરો બનાવવામાં આવ્યો હતો, તે જમીન નંદુમાંની પોતાની માલિકીની હોવાનું પ્રાથમિક કાગળોના નિરીક્ષણમાં સામે આવ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે જો આ મુદ્દે ભવિષ્યમાં કોઈપણ કાનૂની લડત લડવાની જરૂર પડશે, તો સમગ્ર આહિર સમાજ નંદુમાંના પરિવાર સાથે ખભેખભા મિલાવીને ઊભો રહેશે.

આજે સમાજજનોની હાજરીમાં સ્થળ પર પ્રતિકાત્મક રીતે નવા બાંધકામનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ બેલા (પથ્થર) મૂકીને ફરી આશરો ઊભો કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અહીં ફરીથી સંપૂર્ણ આશરો ઊભો કરવામાં આવશે અને નંદુમાંને ન્યાય અપાવવા માટે સમાજ સંગઠિત રીતે આગળ વધશે.

આ કાર્યક્રમ દરમિયાન વૃદ્ધ દંપતી નંદુબેન બેલા અને નારણભાઈ બેલાની ઉપસ્થિતિમાં સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા એકતાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમયે “જય દ્વારકાધીશ” ના નારા ગુંજી ઉઠ્યા હતા.

