જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરાબલુસ ગામમાં થયેલા ચકચારી મહિલા હત્યા કેસમાં અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. જામનગરની સેશન્સ કોર્ટે મૃતક મહિલાના પતિ અને જેઠાણીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયેલા આ કેસમાં મેડિકલ પુરાવા અને સાક્ષીઓની જુબાનીના આધારે હત્યાનો ગુનો સાબિત થયો હતો.
આખો બનાવ શું છે?
ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામના જયુભા કનુભા ગોહિલની દીકરી પૂર્ણાબાના લગ્ન આરાબલુસ ગામના શક્તિસિંહ રાજુભા જાડેજા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પૂર્ણાબાને તેના પતિ શક્તિસિંહ અને જેઠાણી અનિતાબા અનોપસિંહ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને પૂર્ણાબાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક ફરિયાદ પિતા જયુભા ગોહિલે લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
જોકે, પોલીસે આ મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવા પરથી સામે આવ્યું કે પૂર્ણાબાએ આત્મહત્યા નહોતી કરી, પરંતુ તેના પતિ શક્તિસિંહે જેઠાણી અનિતાબાના સહયોગથી ગળેટુંપો આપી તેની હત્યા કરી હતી. આ દિશામાં પુરાવા એકત્ર કરી પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
કોર્ટની કાર્યવાહી અને દલીલો આ કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા સરકારી વકીલ (APP) ધર્મેન્દ્ર એ. જીવરાજાનીએ સરકાર પક્ષે ધારદાર દલીલો કરી હતી. તેમણે ગુનાને સાબિત કરવા માટે કોર્ટ સમક્ષ 44 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા અને 26 સાક્ષીઓની તપાસ કરાવી હતી.
બીજી તરફ, આરોપીઓએ બચાવ પક્ષે દલીલ કરી હતી કે તેઓ ઘટના સમયે સ્થળ પર હાજર નહોતા અને આ કેસમાં તેમને ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે, તેથી તેમને નિર્દોષ મુક્ત કરવામાં આવે.

