Gujarat

જામનગર-રાજકોટ હાઈવે પર ગેસ ટેન્કરની કેબિન ભડભડ સળગી

શુક્રવારની રાત આગની ઘટનાઓને પગલે ભારે દોડધામવાળી રહી હતી. અલગ-અલગ ત્રણ વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં બે મોટી ઘટના ઘટતાં તંત્ર અને સ્થાનિક લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જામનગર-રાજકોટ હાઈવે પર ગેસ ટેન્કરમાં લાગેલી આગ અને વેરાવળમાં રહેણાક મકાનમાં ભભૂકેલી આગે સ્થાનિક સ્તરે ભારે અફરાતફરી મચાવી દીધી હતી.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દાદરામાં પણ એક ટેક્સટાઇલ કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે, આ ત્રણેય ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં બનેલી ઘટનાઓની વાત કરીએ પહેલી ઘટના જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક લૈયારા ગામ પાસે ઘટી હતી. શુક્રવારે રાત્રે જામનગરથી રાજકોટ તરફ જઈ રહેલા LPG ગેસ ભરેલા ટેન્કર (નંબર: NL 01 AF 3195)ની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગેસ ભરેલું ટેન્કર હોવાને કારણે હાઈવે પર પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોમાં મોટો વિસ્ફોટ થવાની આશંકા સેવાઈ રહી હતી.

ઘટનાની જાણ થતાં જ ધ્રોળ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ અને ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સુરક્ષાના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી વાહનવ્યવહાર અટકાવી દીધો હતો. ત્યાર બાદ ધ્રોલ નગરપાલિકાની ફાયર ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.