Gujarat

20 કિલો સાંકળ પહેરી RCB ફેન સોમનાથ યાત્રાએ નીકળ્યો

આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ઐતિહાસિક જીતની ખુશીમાં જામનગર જિલ્લાના એક ક્રિકેટપ્રેમીએ અનોખી શ્રદ્ધા યાત્રા શરૂ કરી છે. લાલપુર તાલુકાના ઝાખર ગામના રહેવાસી રાઠોડ વીરેન્દ્રસિંહે 20 કિલો વજનની લોખંડની સાંકળ શરીર પર ધારણ કરીને સોમનાથ મહાદેવના દર્શનાર્થે પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો છે.

વીરેન્દ્રસિંહ રાઠોડનો આ ક્રિકેટ પ્રત્યેનો અદમ્ય પ્રેમ અને ભગવાન પ્રત્યેની આસ્થાનો સંગમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓ ઝાખર ગામથી સોમનાથ મહાદેવ સુધીની પગપાળા યાત્રા કરી રહ્યા છે. ક્રિકેટપ્રેમી વીરેન્દ્રસિંહ લાંબા સમયથી RCBના સમર્થક છે. ટીમના વિજય બાદ તેમણે પોતાની લાગણી અને આસ્થાને અનોખી રીતે વ્યક્ત કરવાનો નિર્ણય લીધો હતો.

તેમની આ અનોખી યાત્રા માર્ગમાં મળતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. વિવિધ ગામો અને વિસ્તારોમાં લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને તેમની આ અનોખી પહેલને બિરદાવવામાં આવી રહી છે.