જામનગરમાં પોલીસ તંત્ર દ્વારા યુવા પેઢીને સુરક્ષિત રાખવાના ઉમદા આશય સાથે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કે.ડી. એકેડમી ખાતે યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ, નશાબંધી અને ટ્રાફિક નિયમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ જનજાગૃતિ અભિયાન પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગના નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ હાજર રહ્યા હતા અને 50થી વધુ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ સભ્યોને મહત્વની માહિતી પૂરી પાડી હતી.

સાયબર પોલીસે વિદ્યાર્થીઓને ઓનલાઇન ફ્રોડથી બચવા માટે ખાસ સમજણ આપી હતી. જેમાં ફિશિંગ કોલ્સ, નકલી શોપિંગ વેબસાઇટ્સ, ઇન્સ્ટન્ટ લોન, ઇન્વેસ્ટમેન્ટ અને ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓથી કેવી રીતે સાવધ રહેવું તે અંગે માર્ગદર્શન અપાયું હતું. આ સાથે 50 જેટલા જાગૃતિ પેમ્પલેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
SOG દ્વારા યુવાનોને નશાના દૂષણથી દૂર રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગાંજો, અફીણ અને ચરસ જેવા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક છે, તે વિશે માહિતી આપી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા માટે ‘1933’ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્વ તેમજ મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા બાબતે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. આ પહેલનો ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવાનો છે.

