જામનગરમાં વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે SEED (Scheme for Economic Empowerment of DNTs) યોજનાના લાભાર્થીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ યોજનાના અમલીકરણ અને લાભાર્થીઓને મળતા ફાયદાઓની સમીક્ષા કરવાનો હતો.
બેઠક દરમિયાન, સદસ્ય ભરતભાઈ પટણીએ જામનગર જિલ્લામાં SEED યોજના હેઠળ લાભ મેળવનારા લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી હતી. તેમણે યોજનાના અમલીકરણની વર્તમાન સ્થિતિ, લાભાર્થીઓને મળતી સહાય, યોજનાના લાભ મેળવવામાં આવતી સંભવિત મુશ્કેલીઓ અને ભવિષ્યમાં વધુ લોકોને આ યોજનાનો લાભ કેવી રીતે મળી શકે તે અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વિચરતી અને વિમુક્ત જાતિઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. તેમણે જામનગર જિલ્લાના સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે SEED યોજનાના લાભાર્થીઓને રેશનકાર્ડ, આધારકાર્ડ જેવા દસ્તાવેજો સરળતાથી મળી રહે. આ ઉપરાંત, સરકારી નિયમો મુજબ રહેઠાણ માટે જમીન ફાળવવા, વીજળી, પાણી અને અન્ય સરકારી યોજનાઓ હેઠળની સહાયના લાભો પણ તેમને સમયસર મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

