જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે જામજોધપુરની 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સ્પેશિયલ જજ આરતી મોગેરાએ આ ગુનાને ઘૃણાસ્પદ ગણાવી આરોપીને આકરી સજા અને દંડનો હુકમ કર્યો હતો. કેસની વિગત મુજબ, 27 જાન્યુઆરી 2025ના રોજ સાંજે જામજોધપુર મામલતદાર ઓફિસ પાછળથી આરોપી મયુર ઉર્ફે અજીત અજય સોલંકીએ 12 વર્ષ અને 6 મહિનાની સગીરાનું અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને જામનગર લઈ ગયો હતો, જ્યાં તેણે તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાના પિતાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 137(2) હેઠળ ગુનો નોંધાવ્યો હતો. તપાસ બાદ આરોપી વિરુદ્ધ BNS કલમ 64(2), 65(1) અને પોક્સો એક્ટની કલમ 4, 6, 12 હેઠળ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
આ કેસ સ્પેશિયલ પોક્સો જજ આરતી મોગેરાની કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ ભારતી વાદીએ સરકાર પક્ષે દલીલો કરી હતી. કોર્ટ સમક્ષ 11 સાક્ષીઓની જુબાની અને 49 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. સરકારી વકીલ ભારતી વાદીએ દલીલ કરી હતી કે, આરોપી સગીર વયની બાળકી હોવાનું જાણતો હોવા છતાં તેણે આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું, જે સમાજ માટે કલંકરૂપ છે અને આવા આરોપી સામે કોઈ નરમાઈ દાખવી શકાય નહીં.

