પાકિસ્તાની લશ્કરની મીડિયા શાખાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ૨૧ આતંકવાદીઓને ઠાર માર્યા છે.
મીડિયા શાખાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૭૨ કલાકમાં ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં માર્યા ગયેલા લોકોમાં ફિત્ના-અલ-ખ્વારિજના ચાર નેતા હતા, જેઓ સુરક્ષા દળોના કર્મચારીઓ અને નિર્દોષ નાગરિકોની હત્યા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવા બદલ વોન્ટેડ હતા.
ફિત્ના-અલ-ખ્વારિજ એ એક શબ્દ છે જેનો ઉપયોગ રાજ્ય પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન માટે કરે છે.
મીડિયા શાખાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ખૂબ જ કુશળ અને સચોટ કાર્યવાહીમાં ગયા અઠવાડિયાથી કુલ ૪૮ ખ્વારિજ માર્યા ગયા છે.”
માર્યા ગયેલા લોકો પાસેથી શસ્ત્રો અને દારૂગોળો પણ મળી આવ્યો છે, એમ તેમાં જણાવાયું છે.
સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા અવિરત આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને દૂર કરવા માટે સેનિટાઇઝેશન કામગીરી ચાલુ રહેશે.
મે મહિનાના અંતમાં, સુરક્ષા દળોએ ઉત્તર વઝીરિસ્તાનના દત્તા ખેલ વિસ્તારમાં ૧૧ આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને જૂનના પહેલા અઠવાડિયામાં, મીરાંશાહમાં એક આત્મઘાતી હુમલો નિષ્ફળ બનાવાયા બાદ, તે વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ અનુસાર, સતત બે મહિનાના સુધારા પછી, મે ૨૦૨૬માં પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિમાં તીવ્ર બગાડ થયો, જે મુખ્યત્વે ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં વધતી આતંકવાદી હિંસાને કારણે થયો હતો.

