સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતી વસ્તીગણતરીની કામગીરી ચાલી રહી છે. એક તરફ તંત્ર પહેલાથી જ પૂરતા કર્મચારીઓની ભારે અછતનો સામનો કરીને જેમ-તેમ કામગીરી આગળ ધપાવી રહ્યું છે, ત્યાં બીજી તરફ કેટલાક લોકોની અજ્ઞાનતા અને સોસાયટીના પદાધિકારીઓનો અસહકાર તંત્ર માટે માથાનો દુખાવો બની રહ્યો છે.
ગઈકાલે જ શહેરના પાલ વિસ્તારમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્રણ સોસાયટીઓમાં વસ્તીગણતરી માટે ગયેલા સર્વેયરોને અટકાવવામાં આવ્યા હતા. સોસાયટીના પ્રમુખ અને સિક્યોરિટી દ્વારા ઊભા કરાયેલા આ વિવાદ બાદ આખરે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
ત્રણ સોસાયટીઓમાં વસતી ગણતરી માટેના સ્ટાફને રોકાતા વિવાદ મળતી વિગતો અનુસાર, પાલ વિસ્તારમાં આવેલી ત્રણ સોસાયટીઓમાં જ્યારે વસ્તી ગણતરી કરનારા સર્વેયરો પોતાના નિયત સરકારી સમય મુજબ પહોંચ્યા, ત્યારે સોસાયટીના પ્રમુખ અને ત્યાંના સિક્યોરિટી સ્ટાફ દ્વારા તેમને મુખ્ય ગેટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. સોસાયટીના તંત્ર દ્વારા એવો અજીબોગરીબ આગ્રહ અને શરત રાખવામાં આવી હતી કે, સોસાયટીમાં રહેતા તમામ લોકોની વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને અને તેમના આપેલા સમય પર જ સર્વે માટે સોસાયટીની અંદર આવવું.
રાષ્ટ્રીય કાર્યક્રમ અવરોધાય તેવા આ વિચિત્ર વલણની સાથે એટલું જ નહીં, સરકારી નિયમ મુજબ વસ્તીગણતરી થઈ ગયા બાદ ઘરની બહાર માર્કર વડે નિશાન કરવાની જે કાયદેસરની પ્રક્રિયા છે, તેની સામે પણ સોસાયટીના પદાધિકારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
તેમણે સર્વેયરોને એવો નિર્દેશ આપ્યો હતો કે તેઓ માર્કરના બદલે સ્ટીકર લઈને આવે અને સ્ટીકર લગાવે. સર્વેયરો દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમનું મહત્વ સમજાવીને વારંવાર નમ્રતાપૂર્વક સમજાવટ કરવામાં આવી હોવા છતાં, સોસાયટીના પ્રમુખ પોતાની જીદ પર અડગ રહ્યા હતા અને અંદર પ્રવેશ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

