Gujarat

જંગલના રાજાને કાંટો વાગ્યો, ઈલાજ પણ જાતે કર્યો

ઉના તાલુકાના ભાચા અને વાવરડા ગામના સીમ વિસ્તારમાં એક નર સિંહ જોવા મળ્યો હતો, જેની કુદરતી કોઠાસૂઝ અને ધીરજનો એક અદ્ભુત વીડિયો કેમેરામાં કેદ થયો છે. જેમાં તેણે પગમાં ખૂંચેલા કાંટાને પોતાના મોં વડે બહાર કાઢીને પીડામાંથી રાહત મેળવી હતી.

માણસ તો કાંટા અને કાંકરાથી બચવા માટે બૂટ-ચપ્પલ પહેરી શકે છે. પણ પશુ અને વન્ય પ્રાણીને કુદરતી માહોલમાં જ રહેવું પડે છે. ત્યારે આવા કાંટા વાગવાના કિસ્સામાં પીડામાંથી રાહત મોઢેથી કાંટા કાઢીને કરે છે. ઘા કે અન્ય કોઈ ઈજા હોય તો પશુ કે વન્યજીવ જીભથી ચાટીને ઈલાજ કરતા હોય છે.

ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનું વિચરણ દિન-પ્રતિદિન સામાન્ય બનતું જાય છે. સિંહો હવે જંગલ વિસ્તાર છોડીને ગ્રામ્ય વિસ્તારોમાં માનવ વસાહત વચ્ચે પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે સીમ વિસ્તારમાં પસાર થઈ રહેલા આ નર સિંહને ચાલવામાં તકલીફ પડી રહી હતી અને તે પીડાથી કણસતો હતો.

સિંહે વારંવાર પોતાના પગના પંજા તરફ નજર કરી હતી. પંજામાં કાંટા વાગ્યા હોવાને કારણે પીડા થતી હોવાનું સમજીને, સિંહે અત્યંત ધીરજપૂર્વક પોતાના પગને મોં સુધી લાવીને પંજામાં ખૂંચી ગયેલા કાંટાને મોં વડે ખેંચીને બહાર કાઢ્યા હતા.