ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામમાં 35 વર્ષીય મયુર વળવાતરની હત્યાના પાંચ આરોપીઓને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, મયુર વળવાતર અને તેના પાંચ મિત્રોએ જમવાની પાર્ટી ગોઠવી હતી. આ પાર્ટી દરમિયાન બોલાચાલી થતાં આરોપીઓએ મયુરની હત્યા કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કરણ શંભુ ડગિયા, પિયુષ શંભુ ડગિયા, મહેશ ઉર્ફે દીકુ શંકરભાઈ મકવાણા, અજય વનાભાઈ ગુજરિયા અને દેવા ભરત રાઠોડનો સમાવેશ થાય છે.

ગીર ગઢડા પોલીસે આરોપીઓને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
બીજી તરફ, મૃતકના પરિવારજનોએ ગીર ગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવી આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે. પરિવારજનોએ હત્યારાઓના મકાનો પર બુલડોઝર ફેરવવાની પણ માંગ કરી હતી.

આવેદનપત્રમાં જણાવાયું છે કે, હત્યાના આરોપીઓ માથાભારે ગુનેગારો છે અને તેમણે પૂર્વ આયોજિત કાવતરું રચી, આંખમાં સ્પ્રે છાંટીને હત્યા કરી છે. પરિવારજનોએ હત્યારાઓની ગેરકાયદેસર મિલકત પર કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.

