શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ વિશ્વ વિખ્યાત જગન્નાથજી મંદિર ખાતે અષાઢી બીજના દિવસે પવિત્ર રથયાત્રા યોજાવાની છે તે પૂર્વે આવતીકાલે સોમવારે ૨૯ જૂન અને સોમવારના રોજ પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગને લઈને મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ યાત્રા નિજમંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીએ ભુદરના તટે પહોંચશે, જ્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પીતળના ૧૦૮ કળશમાં નદીનું પવિત્ર નીર ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવશે. આમ, ૧૦૮ કળશથી જળાભિષેક અને ગજવેશ દર્શન બાદ ભગવાન ૧૫ દિવસ મોસાળ સરસપુર જશે.
સાબરમતીના નીરથી ભરેલા આ ૧૦૮ પવિત્ર કળશને શ્રદ્ધાળુઓ પોતાના શિશ પર મૂકીને વાજતે-ગાજતે પરત મંદિર તરફ પ્રયાણ કરશે. આ ભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડશે. સુશોભિત ગજરાજાે અને ઢોલ-નગારાના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે અને ભક્તો હર્ષોલ્લાસ સાથે પવિત્ર જળના કળશને નિજમંદિર સુધી લાવશે.
મંદિરમાં લાવવામાં આવેલા આ પવિત્ર જળથી જગન્નાથ, મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવશે. આ અભિષેક પૂર્ણ થયા બાદ પ્રભુને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે, જેના અલૌકિક દર્શનનો લાભ ભક્તોને વર્ષમાં માત્ર આજના દિવસે જ મળે છે.
પરંપરાગત માન્યતા અનુસાર, વધુ પડતા જળસ્નાનને કારણે ભગવાન બીમાર પડે છે, જેથી તેઓ આગામી ૧૫ દિવસ સુધી આરામ અને સ્વાસ્થ્ય લાભ માટે સરસપુર ખાતે મામાના ઘરે રોકાણ કરશે. ત્યારબાદ પૂર્ણ સ્વસ્થ થઈને અષાઢી બીજના પાવન પર્વે ત્રણેય ભાઈ-બહેન ભવ્ય રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળશે.

