Gujarat

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક

રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક આજે સવારે 10:30 કલાકે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોજાનારી આ બેઠકમાં રાજ્યના વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને ભારે વરસાદ, સંભવિત અતિવૃષ્ટિ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની તૈયારીઓની સમીક્ષા બેઠકનું મુખ્ય આકર્ષણ રહેશે.

સંભવિત અતિવૃષ્ટિના એક્શન પ્લાન અંગે ચર્ચા કેબિનેટ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી, નીચાણવાળા વિસ્તારોમાં પ્રશાસનની સજ્જતા, પૂર પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરીની તૈયારી તેમજ સંભવિત અતિવૃષ્ટિ દરમિયાન અમલમાં મુકાનાર એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવશે. વિવિધ વિભાગોને વધુ સતર્ક રહેવા અને સમયસર પ્રતિસાદ આપવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે તેવી શક્યતા છે.

વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રાદેશિક પરિષદોની સમીક્ષા આ ઉપરાંત રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી વિકાસ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાયેલી પ્રાદેશિક પરિષદોની સમીક્ષા, બજેટ 2026-27માં જાહેર કરાયેલી નવી યોજનાઓના ફાસ્ટ-ટ્રેક અમલીકરણની પ્રગતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ તેમજ નવી ઔદ્યોગિક નીતિના અમલીકરણની સ્થિતિ અંગે કેબિનેટમાં વિગતવાર ચર્ચા થશે.