Gujarat

કલેક્ટર પી.બી. પંડ્યાએ જામ આંબરડી ગામની મુલાકાત લીધી

જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામની જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામ વિકાસના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. કલેક્ટરે ગ્રામ પંચાયત કચેરી ખાતે પંચાયતના વહીવટી રેકોર્ડની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ગામમાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. સભા દરમિયાન ગામની વર્તમાન પરિસ્થિતિ, વિકાસલક્ષી કામગીરી અને સ્થાનિક પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ પોતાની વિવિધ રજૂઆતો અને પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા.

જિલ્લા કલેક્ટરે ગ્રામજનોની રજૂઆતોનો નિયમ મુજબ યોગ્ય નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે વિકાસલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવા પણ ભાર મૂક્યો હતો. ગ્રામજનોએ પણ કલેક્ટર સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી પોતાના પ્રશ્નોથી તેમને અવગત કર્યા હતા.