Gujarat

ધોધમાર વરસાદના કારણે વાપી અને વલસાડ જિલ્લામાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું

મહારાષ્ટ્રથી રેલ મુસાફરી કરતા લોકોને વાપી, વલસાડમાં રાખવું પડશે ખાસ ધ્યાન

છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે વાપી અને વલસાડ જિલ્લામાં સામાન્ય જનજીવન પ્રભાવિત કર્યું છે. ખાસ કરીને વાપી અને આસપાસના વિસ્તારોમાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકોને ધીમી ગતિએ વાહન હંકારીને પસાર થવાની ફરજ પડી હતી. દિવસભરના વરસાદી માહોલ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું. મુંબઈ-અમદાવાદ રેલવે વ્યવહારને અસર થઈ હતી, પરંતુ હવે વરસાદે મહેર કરતાં રેલવે વ્યવહાર આંશિક રીતે શરૂ થઈ ગયો છે. અમદાવાદથી મુંબઈ તરફ જતી મોટાભાગની ટ્રેનો હવે દોડી રહી છે.

ભારે વરસાદના કારણે મુંબઈ-અમદાવાદ મુખ્ય રેલવે માર્ગ પર નાલા સોપારા નજીક વરસાદી પાણી ટ્રેક સુધી પહોંચી જતાં પશ્ચિમ રેલવેની કામગીરી પર અસર જાેવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક સમય માટે ટ્રેનોની અવરજવર નિયંત્રિત કરવામાં આવી હતી. જાેકે, આજે વરસાદમાં સામાન્ય વિરામ મળતાં રેલવે તંત્ર દ્વારા ધીમે ધીમે ટ્રેન વ્યવસ્થા પુન: શરૂ કરવામાં આવી છે અને અમદાવાદથી મુંબઈ તરફ જતી અનેક ટ્રેનો સાવચેતીપૂર્વક ધીમી ગતિએ રવાના થઈ રહી છે.

અવિરત વરસાદના ના કારણે સાંજના સમયે મુંબઈ તરફ જતી અનેક ટ્રેનોને નિર્ધારિત સ્થળ સુધી પહોંચાડવી શક્ય બની ન હતી. જેના પગલે કેટલીક ટ્રેનોને વલસાડ, ભીલાડ તેમજ ઉમરગામ જેવા સ્ટેશનો પરથી જ અમદાવાદ તરફ પરત મોકલવાનો ર્નિણય લેવાયો હતો. મુસાફરોને લાંબા સમય સુધી સ્ટેશનો પર રાહ જાેવી પડી હતી, જ્યારે અનેક મુસાફરોને પોતાની મુસાફરી મુલતવી રાખવાની ફરજ પડી હતી. અચાનક બદલાયેલી પરિસ્થિતિને કારણે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ પણ જાેવા મળી હતી.

સતત વરસાદના કારણે મુંબઈ સુધી ટ્રેનો સમયસર પહોંચી શકી ન હતી, જેના કારણે મુંબઈથી અમદાવાદ તરફ આવતી અનેક ટ્રેનો પણ કલાકો સુધી મોડી ચાલી રહી છે. કેટલીક મહત્વની ટ્રેનોને રદ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેનના સમયપત્રકમાં આવેલા મોટા ફેરફારના કારણે મુસાફરોમાં ભારે મૂંઝવણનો માહોલ જાેવા મળ્યો હતો. ઘણા મુસાફરો સ્ટેશનો પર ટ્રેનની રાહ જાેતા રહ્યા હતા, જ્યારે કેટલાકે વૈકલ્પિક મુસાફરીના સાધનોનો સહારો લીધો હતો.

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા તમામ સરકારી તેમજ ખાનગી શાળા-કોલેજાેમાં રજાની જાહેરાત કરવામાં આવી હતી. પરિણામે, આજે વહેલી સવારથી જ જિલ્લાભરની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવામાં આવેલા આ ર્નિણયને વ્યાપક સમર્થન મળ્યું હતું.

વાપીના ચલા અને ગુંજન જેવા વેપારી વિસ્તારોમાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી. દુકાનોની બહાર પાણી ભરાઈ જતાં ગ્રાહકોની અવરજવર પર અસર જાેવા મળી હતી. કેટલાક વેપારીઓએ માલસામાનને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. સતત વરસાદને કારણે વેપાર-ધંધા પર પણ પ્રતિકૂળ અસર પડી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. જાે આગામી દિવસોમાં પણ વરસાદનું જાેર યથાવત રહેશે તો નુકસાન વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.