રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. રાજકોટના જામનગર રોડ પર રહેતા નરાધમે પાડોશી ધર્મને લજવી સગીરાને એકલી જોઈ તેનો હાથ પકડી પોતાના ઘરે લઇ જઇ પોતાની હવસનો શિકાર બનાવી બાદમાં જાનથી મારી નાખવા ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આખરે ત્રણ મહિના બાદ શારીરિક માનસિક ત્રાસથી કંટાળી બનાવ અંગે જાણ પરિવારને કરતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પાડોશી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બળજબરીપૂર્વક પોતાના ઘરે ખેંચી લઇ ગયો અને દુષ્કર્મ આચર્યું સગીરાના પિતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી 3 માસ પહેલાં ભોગ બનનાર તરુણી પોતાના ઘરની આસપાસ હાજર હતી ત્યારે તે જ રેસિડેન્સીમાં રહેતો શખ્સ આવ્યો હતો. આ પછી સગીરાને એકલી જોઈ આરોપીએ અચાનક તેનો હાથ પકડી સગીરા કંઈ સમજે તે પહેલાં જ નરાધમ તેને બળજબરીપૂર્વક પોતાના ઘરે ખેંચી લઇ ગયો હતો.
આ પછી ઘરમાં લઈ જઈને આરોપીએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. સગીરાએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નરાધમે તેની એક પણ વાત સાંભળી ન હતી અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
‘તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ’ પહેલીવાર દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે સગીરાને ડરાવતા જણાવ્યું હતું કે, “જો આ વાતની ખબર તારા પરિવારને કે કોઈ અન્ય વ્યક્તિને પડશે, તો હું તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ.” આ ધમકીથી ગભરાઈ ગયેલી માસૂમ સગીરા ભારે આઘાતમાં સરી પડી હતી અને તેણે ઘરમાં કોઈને કશું કહ્યું ન હતું. અને આ વાતનો ફાયદો ઉઠાવી શખસ અવારનવાર સગીરાને ધમકાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો રહ્યો હતો.

