અષાઢી બીજના પવિત્ર દિવસે ગોધરા શહેરના પ્રખ્યાત, જૂના પુરાણા રણછોડજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જય જગન્નાથના જયધોષ સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી. ગોધરા શહેરના વિવિધ વિસ્તાર માંથી રથયાત્રા પસાર થઈ હતી. જેમાં રથયાત્રામાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી.
ગોધરા શહેરના વર્ષો જૂના પુરાણા રણછોડજી મંદિર ખાતેથી બેન્ડબાજા સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી. રથયાત્રા શહેરા ભાગોળ, બાવાની મઢી, લાલબાગ, પાંજરાપોળ, ચિત્રારોડ, વિશ્વકર્મા ચોક થઈ પટેલવાડા તથા સોનીવાડ થઈ પરત નિજ મંદિર ખાતે આવી પહોંચી હતી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જાેડાયા હતા. ગુરુવારે(૧૬ જુલાઈ) વહેલી સવારથી રણછોડજી મંદિર ખાતે ભગવાન જગન્નાથના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા હતા. શહેરમાં નીકળેલી રથયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી અને જય જગન્નાથના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. ગોધરામાં નીકળેલી રથયાત્રામાં ભજન મંડળો પણ જાેડાયા હતા અને મોડી સાંજે જગન્નાથ ભગવાનની રથયાત્રા વાજતે ગાજતે નિજ મંદિર ખાતે પરત ફરી હતી. આ દરમિયાન મંદિરમાં પણ ભક્તોનો ભારે ઘસારો જાેવા મળ્યો હતો. અષાઢી સુદ-બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામને સુશોભિત શણગાર પણ કરવામાં આવ્યો હતો. અષાઢી બીજના પાવન પર્વને લઈને મંદિરને પણ વિવિધ લાઈટ અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા ત્યારે ‘જય રણછોડ માખણ ચોર‘ના નાદથી વાતાવરણ ભક્તિમયથી ગુંજી ઉઠ્યું હતું. શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

