Gujarat

જામનગરમાં ડુપ્લીકેટ ‘સાબળે બીડી’નું વેચાણ કરતા બે ઝડપાયા

જામનગર શહેરમાં ડુપ્લીકેટ ‘સાબળે બીડી’નું વેચાણ કરીને ગ્રાહકો અને વેપારીઓ સાથે છેતરપિંડી કરતા બે શખ્સોને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹79,500ની કિંમતના 265 નકલી બીડીના પેકેટ જપ્ત કર્યા છે.

SOGના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, વિજયભાઈ કારેણ અને જયેશભાઈ પઢેરીયાને બાતમી મળી હતી કે અમિતભાઈ મહેશભાઈ વશિયર અને અફઝલ અબ્દુલભાઈ કુરેશી અફઝલના રહેણાંક મકાન પાસે ડુપ્લીકેટ બીડીનું વેચાણ કરી રહ્યા છે. આ બાતમીના આધારે SOGની ટીમે ‘સાબળે બીડી’ કંપનીના મેનેજર ઘનશ્યામભાઈ ત્રિભુવનદાસ પોબારૂને સાથે રાખી દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ સસ્તી અને હલકી ગુણવત્તાની નકલી બીડીઓને અસલી કંપનીના પેકિંગમાં વેચી રહ્યા હતા. તેઓ રિટેલરો, ડિસ્ટ્રિબ્યુટરો, પાન-મસાલાની દુકાનના સંચાલકો અને ગ્રાહકોને અસલી બીડી હોવાનું જણાવીને છેતરપિંડી કરતા હતા.

પોલીસે જડેશ્વર પાર્ક, શેરી નંબર-૩માં રહેતા અમિતભાઈ મહેશભાઈ વશિયર અને ગુજરાતી વાડ વિસ્તારમાં રહેતા અફઝલ અબ્દુલભાઈ કુરેશીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૩૪૫(૩), ૩૪૭(૧), ૩૪૯, ૫૪ તથા કોપીરાઇટ એક્ટની કલમ ૬૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.