Gujarat

મુસ્લિમ મહિલાની નામ બદલવા હાઇકોર્ટમાં અરજી

લગ્ન પછી અપનાવેલું મુસ્લિમ નામ હટાવીને પોતાના ખ્રિસ્તી પિતૃપક્ષનું નામ પુનઃ ધારણ કરવા માટે વડોદરાના એક 66 વર્ષીય મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેઓએ ઘર મેળવવામાં પડતી સામાજિક મુશ્કેલીઓનું કારણ દર્શાવ્યું છે. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે કે સરકારી ગેઝેટમાં નામ બદલવાની તેમની વિનંતી શા માટે સ્વીકારવામાં આવી નહોતી?

મૂળ ક્રિશ્ચન મહિલાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા અરજદાર જેઓ કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારી અને વિધવા છે, તેમનો જન્મ ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. પરંતુ મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા પછી તેમણે મુસ્લિમ ઓળખ અપનાવી હતી. વર્ષ 2021 માં તેમના પતિના અવસાન પછી, તેમણે સાસરું છોડી દીધું હતું અને પોતાના પિતૃપક્ષના મૂળ સાથે ફરી જોડાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે દાવો કર્યો છે કે મુસ્લિમ નામ હોવાને કારણે વડોદરાના બિન-મુસ્લિમ વિસ્તારોમાં મકાન મેળવવામાં તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

નામ બદલવાની જાહેરાત છાપવાની વિનંતી સત્તાવાળાઓએ ફગાવી તેમના વકીલના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિઓએ તેમને તેમનું મૂળ નામ પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા છે, જે તેમની ખ્રિસ્તી ઓળખ દર્શાવે છે. સરકારી ગેઝેટમાં નામ બદલવાની જાહેરાત છાપવાની વિનંતી સત્તાવાળાઓએ ફગાવી દીધા બાદ મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સત્તાવાળાઓએ તેમને જણાવ્યું હતું કે છૂટાછેડાના હુકમનામા વિના તેઓ પોતાનું નામ બદલી શકતા નથી અને તેમના પિતાનું નામ તથા મૂળ અટક સરનામ તરીકે અપનાવી શકતા નથી.