ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પાલડી ગામમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની પહેલ હેઠળ બાલિકા પંચાયતના સભ્યો માટે સંવાદ અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈસીડીએસ કચેરી, સિહોરના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયો હતો.
જેમાં બાલિકા પંચાયતની ભૂમિકા, કિશોરીઓના સર્વાંગી વિકાસ અને સમાજમાં તેમની સક્રિય ભાગીદારી અંગે માર્ગદર્શન અપાયું હતું.કાર્યક્રમમાં કિશોરીઓને આરોગ્ય, પોષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ખુલ્લા સંવાદ દ્વારા તેમના પ્રશ્નોના જવાબ આપી શંકાઓનું નિરાકરણ કરાયું હતું.

આ ઉપરાંત, બાલિકા પંચાયતના સભ્યોને પાલડી ગ્રામ પંચાયતની મુલાકાત કરાવવામાં આવી હતી. તલાટી-કમ-મંત્રીએ ગ્રામ પંચાયતની કામગીરી, ગ્રામસભાની પ્રક્રિયા, વિકાસ આયોજન અને સ્થાનિક સ્વરાજ્ય વ્યવસ્થાની કાર્યપદ્ધતિ સમજાવી હતી.
આનાથી કિશોરીઓને ગ્રામ શાસનને નજીકથી સમજવાની તક મળી.કાર્યક્રમમાં સોનગઢ સેજાના ઇન્ચાર્જ સુપરવાઇઝર શ્રીમતી રીટાબેન શુકલ, સંકલ્પ હબ–એમ્પાવરમેન્ટ ઑફ વુમન યોજનાના સ્ટાફ અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

