Gujarat

વડોદરા સહિત મધ્ય ગુજરાત માટે 3 ટીમો સ્ટેન્ડબાય, જરૂર પડશે તો અન્ય જિલ્લાઓમાં મોકલેલી ટીમોને બોલાવાશે

ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRF દ્વારા સંપૂર્ણ તૈયારી હાથ ધરવામાં આવી છે. આજે 31 જુલાઈ અને આવતીકાલ 1 ઓગસ્ટ માટે જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને વડોદરા હેડક્વાર્ટર ખાતે 3 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જરૂરિયાત ઉભી થાય તો અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક બચાવ કામગીરી માટે ટીમોને રવાના કરવામાં આવશે.

બનાસકાંઠા, પાટણ અને જૂનાગઢમાંથી એનડીઆરએફની ટીમો મોડી રાત્રે વડોદરા પહોંચી વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફે પોતાની તૈયારીઓ વધુ મજબૂત બનાવી છે. અગાઉ અન્ય જિલ્લાઓમાં ડિપ્લોય કરવામાં આવેલી ટીમોને પરત વડોદરા હેડક્વાર્ટર બોલાવવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ અને જૂનાગઢમાંથી એનડીઆરએફની ટીમો મોડી રાત્રે વડોદરા પહોંચી ગઈ છે, જ્યારે પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં પહેલાથી જ NDRFની ટીમો તૈનાત છે.

હાલમાં વડોદરા તેમજ સમગ્ર મધ્ય ગુજરાત માટે કુલ ત્રણ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જો વરસાદની સ્થિતિ વધુ ગંભીર બને અથવા પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો આ ટીમોને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી માટે રવાના કરવામાં આવશે. રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી NDRF દ્વારા તમામ પ્રકારની આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.