Gujarat

શાળા-કોલેજો બંધ, સરકારી પરીક્ષાઓ મોકૂફ છતાં SBI PO પરીક્ષા યથાવત

રાજ્યમાં ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે અને સરકારી પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે. પરંતુ અમદાવાદના બોપલ સ્થિત સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં આવેલા TCS iON ઝોન સેન્ટર ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પ્રોબેશનરી ઓફિસર (SBI PO)ની પરીક્ષા યોજાતા ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થઈને ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા.

વરસાદી પાણી વચ્ચે ઉમેદવારો પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા બોપલના સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. તેમ છતાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે પાણી વચ્ચેથી પસાર થઈને કેન્દ્ર સુધી પહોંચ્યા. પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે ઉમેદવારોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

એક દિવ્યાંગ યુવતી લેટ પહોંચતા પ્રવેશ ના મળ્યો વૃંદા વિસદ સર્કલ વિસ્તારથી પરીક્ષા આપવા આવી હતી. પરંતુ રસ્તામાં ભરાયેલા વરસાદી પાણી અને અવરજવરની મુશ્કેલીને કારણે તે પરીક્ષા કેન્દ્ર પર મોડેથી પહોંચી. પરીક્ષા શરૂ થઈ જતાં તેને પરીક્ષામાં બેસવાની મંજૂરી મળી નહીં. મહત્વની વાત એ છે કે વૃંદા દિવ્યાંગ ઉમેદવાર છે.

પરીક્ષા આપવાની તક મળી શકે કે નહીં તે અંગે તપાસ હાલ પરીક્ષા સત્તાધીશો દ્વારા દિવ્યાંગ ઉમેદવાર વૃંદાને બીજા રાઉન્ડ અથવા અન્ય વિકલ્પ હેઠળ પરીક્ષા આપવાની તક મળી શકે કે નહીં તે અંગે તપાસ અને વિચારણા કરવામાં આવી રહી છે. વરસાદ વચ્ચે યોજાયેલી આ પરીક્ષાએ ઉમેદવારોની મુશ્કેલીઓ અને વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.