રખિયાલ પોલીસે ખૂન કેસમાં ત્રણ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા એક કુખ્યાત કેદીને ઝડપી પાડ્યો છે. આરોપીને સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે, આ આરોપી રખિયાલ રેલવે સ્ટેશન નજીક ફેફરીયા ગામની સીમ પાસેથી મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી ભરતજી ઉદાજી ઠાકોર (કેદી નં. સી/15617) અમદાવાદ મધ્યસ્થ જેલમાં ખૂનના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો. તેને 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ 10 દિવસની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, 28 ફેબ્રુઆરી, 2023 ના રોજ જેલમાં પરત હાજર થવાને બદલે તે ફરાર થઈ ગયો હતો.
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નરેન્દ્રસિંહ યાદવ અને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાઓના આધારે રખિયાલ પોલીસે કાર્યવાહી કરી હતી. પેરોલ જમ્પ કરવા બદલ આરોપી વિરુદ્ધ અગાઉ રાણીપ પોલીસ સ્ટેશનમાં પ્રિઝન્સ એક્ટ કલમ 51(એ) અને 51(બી) હેઠળ ગુનો પણ નોંધાયો હતો. રખિયાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને આરોપીને સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.

