કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના હસ્તે ઢસા જંક્શનથી વંદે ભારતને લીલી ઝંડી આપી
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી તથા ભાવનગર લોકસભાના સાંસદ શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદજી ટુંડિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઢસા જંક્શન રેલવે સ્ટેશન ખાતેથી વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસના પરિવર્તિત માર્ગનો લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી તેમજ ધારાસભ્યશ્રીએ જનપ્રતિનિધિઓ સાથે બોટાદથી ઢસા સુધી ટ્રેનમાં મુસાફરી કરી મુસાફરો સાથે સંવાદ સાધ્યો હતો.
નવા પરિવર્તિત રૂટ હેઠળ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૬૯૦૨) હવે જૂનાગઢ, ચીતલ, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા અને ગાંધીગ્રામ સ્ટેશનો પર સ્ટોપેજ સાથે દોડશે. ૮ કોચ ધરાવતી આ આધુનિક સેમી-હાઇસ્પીડ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં ૬ દિવસ બપોરે ૦૩:૫૦ કલાકે વેરાવળથી ઉપડી રાત્રે ૧૦:૨૫ કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેનમાં ચેર કાર, એક્ઝિક્યુટિવ ચેર કાર, ચાર્જિંગ સોકેટ, બાયો-વેક્યુમ શૌચાલય, મિની પેન્ટ્રી, સીસીટીવી, વ્હીલચેર સુવિધા અને ઓન-બોર્ડ વાઇ-ફાઇ જેવી વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, “આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝન અને રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના સહયોગથી પવિત્ર શ્રાવણ માસમાં શરૂ થયેલી આ સેવા સોમનાથ દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે સમય અને ખર્ચ બચાવનારી સાબિત થશે. આ સુવિધાથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચે પ્રવાસન, વેપાર અને રોજગારીની નવી તકો ઊભી થશે તેમજ વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરો માટે પ્રવાસ અત્યંત સુગમ બનશે.”
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પાયલબેન માથોળીયા, ધારાસભ્યશ્રીઓ, ભાજપ હોદ્દેદારો, રેલવે વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ, ઢસા અને ધોળા રેલવે સ્ટેશનો ખાતે સ્થાનિક જનતા દ્વારા વંદે ભારત એક્સપ્રેસનું ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

