ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ઠેર-ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે. ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. જૂનાગઢ શહેરમાં કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાઈ તે પહેલા જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.
ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે સમગ્ર રાજ્યભરમાં ભારે આક્રોશ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. ભાવનગરમાં 9 લોકોના મોત થયા છે. તેમજ 35 થી વધુ લોકોની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
આ કરુણ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો હવે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં આ પ્રકારે ખુલ્લેઆમ ઝેરી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો આરોપ લગાવીને વિપક્ષે સરકાર સામે મોરચો ખોલ્યો છે.

કાર્યકરોએ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા જૂનાગઢ ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને અન્ય અગ્રણી નેતાઓની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસ નેતાઓએ આ ઘટનાને રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ અને શરમજનક નિષ્ફળતા ગણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતની તમામ સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ચેકિંગ હોવાનો દાવો કરવામાં આવે છે, છતાં પણ આટલી મોટી માત્રામાં ઝેરી દારૂ અને કેમિકલ ભાવનગર સુધી કેવી રીતે પહોંચી ગયું તે એક મોટો અને ગંભીર પ્રશ્ન છે.

