Gujarat

દુબઈ, ઓસ્ટ્રેલિયા, UKનું પ્રતિનિધિમંડળ કોટંબી સ્ટેડિયમની મુલાકાતે

વડોદરા ખાતે પ્રથમ વખત ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027ના આયોજનની તૈયારીઓના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના વૈશ્વિક પ્રતિનિધિમંડળે બરોડા ક્રિકેટ એસોસિએશનના (BCA) કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. 14થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાનારી આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા પૂર્વે સ્ટેડિયમની માળખાકીય સુવિધાઓ, સુરક્ષા, પિચ, પ્રસારણ વ્યવસ્થા સહિતની તૈયારીઓનું પ્રતિનિધિમંડળ દ્વારા વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

BCA ટીમે પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું ICCના પ્રતિનિધિમંડળમાં ઇવેન્ટ લીડ કરનાર જો ટેલર, ટિકિટિંગ અને હોસ્પિટાલિટી મેનેજર એલનાહ વ્હાઇટ, બ્રોડકાસ્ટ પ્રોડક્શન મેનેજર રૂચિકા રાણા, ACU અને સુરક્ષા સલાહકાર ડોરીયન ક્લેરેન્સ, પિચ કન્સલ્ટન્ટ ટોબી લુમ્સડેન, જિયોસ્ટાર કન્સલ્ટન્ટ પોલ ઘોષ, આઈસીસી એમ.સી.સી. લોમ્બી અને લુમ ટીવી, એમ.સી. ટીવીના ડિરેક્ટર ગેવિન સ્કોવેલ, પ્રોજેક્ટ ટેકનિકલ મેનેજર પીયૂષ પંકજ અને બીસીસીઆઈના આયુષ મુદગલ સહિતના અધિકારીઓ જોડાયા હતા.

BCA તરફથી માનદ ખજાનચી શીતલ મહેતા, CEO સ્નેહલ પારીખ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને સ્ટેડિયમ ક્રિકેટિંગ ઇન્ચાર્જ તથા મુખ્ય ક્યુરેટર અતુલ બેદાડે, સ્ટેડિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓના પ્રભારી અમિત પારીખ સહિતની BCA ટીમે પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું.

મુલાકાતની શરૂઆત સ્વાગત સાથે થઈ હતી. BCAના CEO સ્નેહલ પારીખે ICCના પ્રતિનિધિઓનો BCAની ટીમ સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ BCAના પ્રમુખ પ્રણવ અમીનના નેતૃત્વ હેઠળ એસોસિએશનના વિઝન, વિકાસલક્ષી અભિગમ અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત BCA સ્ટેડિયમના આધુનિક માળખાકીય વિકાસ, ઉપલબ્ધ સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ સ્પર્ધાઓના આયોજનની ક્ષમતા અંગે ઑડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ પણ રજૂ કરી હતી.