Gujarat

હેડ કોન્સ્ટેબલ સામે કાનૂની કાર્યવાહી કરવા હાઈકોર્ટનો આદેશ

ગુજરાત હાઈકોર્ટે આરોપીના સરનામા અંગે બોગસ અહેવાલ તૈયાર કરવા બદલ વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એ.પરમાર સામે ખાતાકીય તપાસ અને ફોજદારી પ્રોસિક્યુશન ચલાવવાનો આદેશ આપ્યો છે. આ બાબતના પગલે પગલે હાઈકોર્ટે આરોપીને ફરાર જાહેર કરતા પહેલા અદાલતોએ અનુસરવાની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે, જેમાં સ્પષ્ટ કરાયું છે કે વોરંટની બજવણી ન થવાનો અર્થ એ નથી કે વ્યક્તિ કાગળ પર આપોઆપ ફરાર થઈ જાય.

કોર્ટની નોટિસ મળવાનું બંધ થતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો આ મામલો નિકોલ રોડ અમદાવાદના રહેવાસી અને છેતરપિંડીના આરોપી સંદીપ શ્રીવાસ્તવનો છે, જેમનો કેસ ફેબ્રુઆરી, 2024 માં રાજકોટ કોર્ટમાંથી ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. શ્રીવાસ્તવે રાજકોટમાં સુનવણીમાં હાજરી આપી હતી પરંતુ, તેમના વકીલ એચ.એસ.તોલિયાના જણાવ્યા મુજબ કેસ ટ્રાન્સફર થયા પછી એક જ સરનામે રહેતા હોવા છતાં તેમને કોર્ટની નોટિસ મળવાનું બંધ થઈ ગયું હતું.

મે, 2024માં કેસ ટ્રાન્સફર અંગેની વેરાવળ કોર્ટની નોટિસ બજવ્યા વગર પરત આવી હતી. તેમના વકીલ અને જામીનદારને મોકલેલી નોટિસો તેમજ ડિસેમ્બર,2024 માં ઈશ્યુ કરાયેલું જામીનપાત્ર વોરંટ પણ બજવ્યા વગર જ પરત આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2025 માં નોન-બેલેબલ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ શ્રીવાસ્તવ પકડાતા નહોતા તેવું કાગળ પર દર્શાવાયું હતું.