પાંચ શખસો જૂનાગઢમાં લૂંટને અંજામ આપે તે પહેલા રાજકોટમાં પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે બાતમીના આધારે SOGએ કારને અટકાવીને પિસ્તોલ, છરી, ધોકા, સ્ટીક કબજે કર્યાં. ઉત્તરપ્રદેશ અને બિહારની આ ગેંગ દ્વારા મોટી ધાડના પ્લાનિંગની કબુલાત આપી છે ત્યારે આ ગેંગ સાથે સંકળાયેલા વધુ એક શખસને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
XUV 500 કારમાંથી 5 શખસ ઝડપાયા રાજકોટ શહેર S.O.G. પોલીસે બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વોચ ગોઠવી હતી, જે દરમિયાન કુવાડવા ગામ પાસે વાંકાનેર ચોકડી નજીક બ્રિજ પાસેથી એક શંકાસ્પદ XUV 500 કાર (નંબર MH-06-BE- 3165) અટકાવીને તેમાં સવાર પાંચ શખસને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ઘાતક હથિયારો મળી આવ્યા હતા. જેઓ જૂનાગઢમાં કોઈ મોટી આસામી કે આંગડિયા પેઢીમાં લૂંટ કે ધાડ પાડવાના ઈરાદાથી આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
મૂળ ઉત્તરપ્રદેશ અને બિહારના શખસોનો લૂંટનો પ્લાન હતો પોલીસે મૂળ ઉત્તરપ્રદેશના જાકીરઅલી લીયાકતઅલી, સૈયદુદ્દીન નજજીમીયા અંસારી, મહમદ શાહબાઝ શેખ, બિહારના રંજનકુમારસિંહ ફિરંગીસિંહ અને થાણેના સંજય સૂર્યનારાયણસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગેંગ સાથે સંકળાયેલ મહેબૂબને પકડવાનો બાકી છે. પોલીસે આ શખસો પાસેથી દેશી બનાવટની પિસ્તોલ (મેગ્ઝિન સાથે), છરી, ટ્રાવેલિંગ તથા સર્જિકલ ઉપયોગના સાધનો, બેઝબોલનો ધોકો, એલ્યુમિનિયમની સ્ટીક અને વિવિધ કંપનીના કુલ 10થી વધુ મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરી છે.

