Gujarat

દિવાળી વેકેશનમાં સુરતીઓના ખિસ્સાં ખંખેરાશે

દિવાળી વેકેશન દરમિયાન સુરતથી યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ના દુબઈ અને શારજાહ જવા ઈચ્છતા પ્રવાસીઓએ હવાઈ મુસાફરી માટે જંગી ભાડું ચૂકવવાની તૈયારી રાખવી પડશે. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી દુબઈની દૈનિક ફ્લાઇટ તેમજ સુરતથી શારજાહની સપ્તાહમાં ત્રણ દિવસ ચાલતી ફ્લાઇટની વન-વે ટિકિટનું ભાડું ₹48,000થી ₹50,000 સુધી પહોંચી ગયું છે.

દિવાળી વેકેશન દરમિયાન આગામી 30 નવેમ્બર સુધીના સમયગાળા માટે પણ આટલું ઊંચું ભાડું દર્શાવાઈ રહ્યું છે. પહેલી નવેમ્બરની ટિકિટનું વન-વે ભાડું પણ ₹48,000 નોંધાતાં પ્રવાસીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.

ટૂર ઓપરેટરોની ચિંતા, માત્ર ફ્લાઇટ ટિકિટ જ પ્રવાસના બજેટ પર ભારે પડી સુરતના પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા ટૂર ઓપરેટરોના જણાવ્યા અનુસાર, યુએઈ જવા ઈચ્છતા પ્રવાસીઓ માટે માત્ર હવાઈ મુસાફરીનો ખર્ચ જ તેમના સમગ્ર પ્રવાસના બજેટ પર ભારે પડી રહ્યો છે. વેકેશન દરમિયાન પ્રવાસીઓની વધતી માંગ વચ્ચે એરલાઇન્સે એર ફ્યુઅલ મોંઘું થયાનું કારણ આગળ ધરીને સુરતથી યુએઈનાં બંને શહેરો માટેનાં ટિકિટ ભાડાંમાં આ તોતિંગ વધારો ઝીંકી દીધો છે.

જોકે, વન-વે ટિકિટના ₹48,000 થી ₹50,000 સુધીના ઊંચા દરને કારણે પ્રવાસીઓ માટે દુબઈ કે શારજાહની મુસાફરી અત્યંત મોંઘી સાબિત થઈ રહી છે. હવે વેકેશન દરમિયાન આ ભાડાંમાં ઘટાડો થશે કે પછી પ્રવાસીઓએ આટલી મોટી રકમ ચૂકવવી જ પડશે, તે જોવું રહ્યું.