Gujarat

30 ઓક્ટો.એ બનાસ ડેરીના પ્રોજેક્ટનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવશે. પ્રવાસ દરમિયાન તેઓ બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના મહત્વના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જ્યારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. બંને દિવસ દરમિયાન વિકાસકાર્યોનાં લોકાર્પણ, ખાતમુહૂર્ત, સાંસ્કૃતિક કાર્યક્રમ અને એકતા પરેડ સહિતના કાર્યક્રમો યોજાશે.

30 ઓક્ટોબરે બનાસકાંઠા અને એકતાનગરમાં કાર્યક્રમ 30 ઓક્ટોબરે વડાપ્રધાન બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે બનાસ ડેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા આધુનિક પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ કેન્દ્ર દેશી ગાયોની ઓલાદ સુધારણા અને દૂધ ઉત્પાદન વધારવા માટે ઉપયોગી બનશે. આ ઉપરાંત, પાલનપુરમાં બનાસ ડેરીના અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર (UHT) પ્લાન્ટના વેરહાઉસમાં ઓટોમેટેડ સ્ટોરેજ સિસ્ટમનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

ત્યારબાદ વડાપ્રધાન એકતાનગર પહોંચશે. અહીં સાંજે 5:15 વાગ્યે 25 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપશે. સાંજે 6:30 વાગ્યે એકતાનગરમાં ₹1,140 કરોડથી વધુનાં વિવિધ માળખાકીય અને વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. સાંજે ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે આયોજિત ‘આનંદમઠ’ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.