સુરત સાયબર ક્રાઈમ સેલે વીમા પૉલિસીનું પેમેન્ટ પરત અપાવવાના બહાને સિનિયર સિટીઝન સાથે થયેલી 1,50,33,004/- ની છેતરપિંડીનો ભેદ ઉકેલી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનું સંચાલન એક ઉચ્ચ શિક્ષિત નિવૃત્ત પ્રોફેસર કરતો હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. 64 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર અતુલકુમાર શર્મા ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના લોકોને સસ્તામાં રાંધણ ગેસ સિલિન્ડર કનેક્શન અપાવવાની લાલચ આપતો હતો.
આ લાલચમાં તે તેમના આધાર પુરાવા મેળવી અલગ-અલગ બેંકોમાં બોગસ (મ્યુલ) એકાઉન્ટ્સ ઓપન કરાવતો અને તેમના નામે ડમી સિમકાર્ડ કઢાવતો હતો. આ બેંક એકાઉન્ટ્સની નેટ બેન્કિંગ કિટ, ચેકબુક, પાસબુક અને ડેબિટ કાર્ડ્સ પ્રોફેસર પોતાની પાસે રાખીને સાયબર ફ્રોડના ગેરકાયદે નાણાં મેળવવા માટે આખું ફાયનાન્સિયલ નેટવર્ક ચલાવતો હતો.
MBA પ્રોફેસર, સેલ્સમેન અને કોલ સેન્ટર એજન્ટની સિન્ડિકેટ આ ગુનામાં પકડાયેલા આરોપીઓની પ્રોફાઇલ તપાસતાં એક વ્યવસ્થિત સંગઠિત ક્રાઈમ નેટવર્ક ખુલ્લું પડ્યું છે. ગેંગનો મુખ્ય સાગરિત 64 વર્ષીય અતુલકુમાર નરેશકુમાર શર્મા B.Sc. અને MBA નો ઉચ્ચ અભ્યાસ ધરાવે છે અને પ્રતિષ્ઠિત IMT કૉલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યો છે.
નિવૃત્તિ પછી ખર્ચ પૂરા કરવા તે સાયબર માફિયા બની ગયો હતો. બીજો આરોપી 43 વર્ષીય મહેશ હરિપ્રસાદ શર્મા ધોરણ-12 પાસ છે, જે અગાઉ વ્હીકલ લોન એજન્ટ, વીજ કંપનીમાં મીટર રીડર અને આયુર્વેદિક દવાનો સેલ્સમેન રહી ચૂક્યો છે. ત્રીજો આરોપી સોનુ વિરેન્દ્રસીંગ ઠાકુર (ઉં.વ. 32, રહે. ગોવિંદપુરમ, ગાઝિયાબાદ) પણ ધોરણ-12 પાસ છે, જે વર્ષ 2018 થી ઇન્શ્યોરન્સ કંપનીના કૉલ સેન્ટરમાં ટેલિકૉલર તરીકે કામ કરતો હતો અને ત્યાંથી ગ્રાહકોનો લીક થયેલો ખાનગી ડેટા ચોરી લાવ્યો હતો.

