ગાંધીનગર
દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે જે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. ગુજરાતે દસમાંથી પાંચ ક્ષેત્રો ઇકોનોમિકલ ડેવલોપમેન્ટ, માનવ સંસાધન વિકાસ, સાર્વજનિક બુનિયાદી માળખું અને ઉપયોગિતા, સમાજ કલ્યાણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષામાં ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું છે. વર્ષ ૨૦૨૧ માં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં રૂ.૨૩૪૨ કરોડના ખર્ચે ૧૩૬૭ જેટલા વિકાસ કામો થયા છે. આ બધા વિકાસ કામો નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે. લોકાર્પણ થઈ રહેલા બગીચાઓ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો જરૂરી સુવિધા યુકત છે. નાગરિકોને કોરોના સામે હજુ પણ સાવચેતી રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇનનું અચૂક પાલન કરવા અપીલ કરી હતી.પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા આજે ગાંધીનગર શહેરના સેક્ટર-૧૪ અને સેક્ટર- ૨૯ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીનીકરણ તેમજ શહેરના કુલ ૧૪ બગીચાઓના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર નજીક આવેલા રાયસણના સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારના ૧૪ બગીચાઓ અને બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ માટે મળી કુલ રૂ.૧૫.૨૨ કરોડના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત બાવળા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થનાર કુલ ૪૬૮ રહેણાંક એકમોના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી કુલદીપ આર્ય, ગાંધીનગર મ્યુનિસીપલ કમિશનર ડૉ.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુરભી ગૌતમ સહિત શહેરના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના સુશાસનનો પાયો આપણા સૌના પ્રેરણા સ્ત્રોત એવા સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીજીએ નાંખ્યો હતો. તેમના જન્મ દિને દેશભરમાં “ગુડ ગવર્નન્સ” દિનની ઉજવણી કરવામાં આવે છે. ગુડ ગવર્નન્સ એટલે સર્વ સમાવેશક વિકાસ સાથે સંકળાયેલું વહીવટી તંત્ર. દેશને સ્વરાજ્ય વર્ષ ૧૯૪૭માં મળ્યું પરંતુ સુરાજ્ય ગુડ ગવર્નન્સનું સ્વપ્ન અધૂરું જ રહ્યું હતું. સ્વ.શ્રી વાજપેયીજીએ તેમના શાસનકાળમાં સુશાસનનો પાયો નાખ્યો હતો. રાષ્ટ્રનિર્માણના તેમના સંકલ્પને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ બંનેની જાેડી દેશભરમાં ગુડ ગવર્નન્સની ઉજવણી થકી વધુ સુદ્રઢતાથી સાકાર કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગાંધીનગર સંસદીય વિસ્તારના ગાંધીનગર મહાનગરપાલિકાના બગીચાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઈ-લોકાર્પણ તેમજ બાવળા નગરપાલિકા વિસ્તારના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટના ઈ-ખાતમૂહૂર્ત કરતા કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમત્તે તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર સુશાસન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સુશાસન એ સ્વરાજ સમયથી નાગરિકોની ઝંખના હતી. આઝાદી મળી ત્યારથી દેશને સ્વરાજ મળ્યું હતું પરંતુ સુરાજ નહીં. પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીએ સુરાજની વ્યાખ્યા કરી હતી. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક આયામોમાં સુશાસનની કલ્પના દેશ સમક્ષ પ્રસ્તુત કરી છે.


