Gujarat

રાજકોટ-જામનગર હાઇ-વે પર અજાણ્યા ટ્રકની અડફેટે બાઇકસવારનું મોત, ચાલક ફરાર

રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં પડધરીની શાળામાં લેક્ચર લઈ બાઈક પર પરત રાજકોટ આવતા શિક્ષકનું ટ્રક હડફેટે મોત નીપજ્યું છે. બનાવ અંગે જાણ થતા પડધરી પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ખંઢેરી સ્ટેડિયમ નજીક ટ્રકે શિક્ષકને અડફેટે લીધા હતા રાજકોટના રહેવાસી 52 વર્ષીય જયેશભાઈ હસમુખભાઈ જોષી સાંજે ચાર વાગ્યા આસપાસ બાઇક લઈને જતા હતા ત્યારે ખંઢેરી સ્ટેડિયમ નજીક મયંક કારખાના પાસે અજાણ્યા ટ્રક સાથે અકસ્માત થતા તેમને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં ઈમરજન્સી વિભાગમાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવવાની જાણ થતા પડધરી પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

બે દીકરી અને દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી પોલીસ પુછપરછમાં જયેશભાઈ રાજકોટ અને પડધરીની ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. સવારે તેઓ રાજકોટની સ્કૂલમાં લેક્ચર લેવા ગયા હતા ત્યારબાદ બપોરે પડધરી ખાતેની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે ગયા હતા. તેઓ પડધરીથી પરત રાજકોટ બાઈક લઈને આવતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે બાઈક સહિત જયેશભાઈને અડફેટે લઇ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો.