અમદાવાદ શહેરના ઈન્દિરાબ્રિજ સર્કલ પાસે રહેતા 65 વર્ષીય વૃદ્ધ સાથે જિયો ફાઈબર કસ્ટમર કેરની ખોટી ઓળખ આપીને ₹ 67 હજારની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી. જેમાં વાઇ-ફાઇ ચાલુ કરવાના અને ત્યારબાદ કપાયેલી રકમ રિફંડ આપવાના બહાને અજાણ્યા શખ્સે UPI મારફતે પૈસા પડાવ્યા હતા. આ મામલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જિયોનું વાઈ-ફાઈ ફાઈબર બંધ હોવાથી કસ્ટમર કેરમાં ફરિયાદ કરી ઈન્દિરાબ્રિજ સર્કલ પાસે રાજરત્ન રેસિડેન્સીમાં એકલા રહેતા 65 વર્ષીય ગોપાલભાઈ દોલતરાય મોટવાણીના ઘરનું જિયો વાઈ-ફાઈ ફાઇબર 5 નવેમ્બરે બંધ થઈ ગયું હતું. બીજા દિવસે 6 નવેમ્બરે રાત્રે તેમણે કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાવી હતી. તેના અડધા કલાક બાદ રાત્રે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ જિયો ફાઈબર કસ્ટમર કેરમાંથી વાત કરતો હોવાની ઓળખ આપી નેટ ચેક કરવાના બહાને OTP મેળવી લીધો હતો.
કસ્ટર કેરમાંથી વાત કરતો હોવાનું બહાનું આપી પૈસા પડાવ્યા ત્યારબાદ આરોપીએ પેટીએમમાંથી ₹ 5 મોકલવાનું કહી, રકમના ખાનામાં ‘OTP 48,502’ લખીને UPI આઈડી પર પેમેન્ટ કરવા જણાવ્યું હતું. વૃદ્ધે આ મુજબ કરતા તેમના એક્સિસ બેંકના ખાતામાંથી અજાણ્યા ખાતામાં ₹ 48,502 ટ્રાન્સફર થઈ ગયા હતા.
પૈસા કપાયા હોવાનું કહેતા ઠગે આ રકમ રિફંડ કરવાની પ્રોસેસના નામે UPI આઈડી પર વધુ ₹ 18,999 ટ્રાન્સફર કરાવ્યા હતા. એટલે કે ગઠિયાએ ₹ 67,501 કપાયા બાદ પણ ઠગે વધુ પૈસાની માંગણી ચાલુ રાખતા વૃદ્ધને શંકા ગઈ હતી અને તેમણે ફોન કાપી નાખ્યો હતો. જે બાદ વૃદ્ધે તેમના મિત્ર ભાવેશ રામચંદાણીને જાણ કરી હતી અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આ મામલે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

