Gujarat

જામનગરમાં 4.19 ગ્રામ મેફેડ્રોન સાથે શખ્સ ઝડપાયો

જામનગરમાં ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હેઠળ પોલીસે 4.19 ગ્રામ મેફેડ્રોન પાવડર સાથે એક શખ્સને પકડ્યો છે. તેની કાર સહિત રૂ. 5,49,750નો મુદ્દામાલ કબજે કર્યો છે.

રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર પર રોક લગાવવા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાની સૂચનાથી ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન શરૂ કરાયું છે.

સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI વી.એમ. ડોડીયા અને PSI ડી.જી. રામાનુજના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ બળદેવભાઈ કાનાણી અને યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢાને બાતમી મળી હતી.

બાતમી મુજબ, શબીરભાઈ ઉર્ફે ભડાલો જકરભાઈ ચંગડા (43) પોતાની સફેદ બ્રેઝા કારમાં મેફેડ્રોન પાવડર વેચતો હતો. તે મીગ કોલોનીથી નવા બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તે પ્રદર્શન ગ્રાઉન્ડ શાકમાર્કેટના ખૂણા પાસે હતો.

પોલીસે ત્યાં દરોડો પાડી શબીરભાઈ ઉર્ફે ભડાલો ચંગડાને પકડ્યો હતો. તેની પાસેથી 4.19 ગ્રામ મેફેડ્રોન પાવડર (કિંમત રૂ. 41,900), બ્રેઝા કાર (રૂ. 5 લાખ), સિરીંજ સાથેનાં 3 ઇન્જેક્શન, એક મોબાઇલ ફોન (રૂ. 5,000) અને રૂ. 2,850 રોકડા મળ્યા હતા.