વડોદરા શહેરમાં ગેરકાયદે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિઓ સામે મકરપુરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના હવેલી ચાર રસ્તા પાસે આવેલા પેરેડાઇઝ પ્લામ્સમાં પોલીસે દરોડો પાડી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T-20 મેચ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં વોટ્સએપ ગ્રુપ મારફતે ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો.
મકરપુરા પોલીસની ટીમે બાતમીના આધારે પેરેડાઇઝ પ્લામ્સમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન સ્થળ પરથી બે શખ્સો ઓનલાઈન માધ્યમથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મળી આવ્યા હતા. પોલીસે બંનેને ઝડપી પાડી તેમની પાસેથી સટ્ટાની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતો સામાન કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1,52,410ની રોકડ રકમ, 26 મોબાઇલ ફોન અને ચાર લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, પોલીસે કુલ રૂ. 5,65,410નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
આ મામલે મકરપુરા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ વોટ્સએપ ગ્રુપ મારફતે ચલાવવામાં આવતા સટ્ટાના નેટવર્કમાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓ
(1) હર્ષકુમાર અનીલકુમાર પંચાલ, ઉ.વ.32 હાલ રહે.એ/1401 પેરેડાઇઝ પ્લામ્સ, હવેલી ચાર રસ્તા પાસે, હવેલી રેસીડેન્સીની બાજુમાં, એરફોર્સ રોડ, મકરપુરા, વડોદરા શહેર. મુળ રહે. 20, શંત્રુજય એપાર્ટમેન્ટ, ગુર્જરી હોટલ પાછળ, પાટણ.
(2) વિરાજ મહેન્દ્રભાઇ ઠક્કર રહે.જે/403, હવેલી રેસીકમ પ્લાઝા, મકરપુરા, વડોદરા શહેર. મુળ રહે.550, ભારત નગર, ભાઇપ્રતાપ સોસાયટી, ગાંધીધામ, જિલ્લો-કચ્છ.

