વડોદરા જિલ્લાના પાદરામાં પ્રેમસંબંધના કારણે ઘર છોડીને નીકળી ગયેલી 15 વર્ષીય કિશોરીનો કિસ્સો સામે આવ્યો છે. બાજુના ગામમાં રહેતા 24 વર્ષીય યુવક સાથેના પ્રેમસંબંધને કારણે કિશોરી અગાઉ પણ ત્રણથી ચાર વખત ઘરેથી ભાગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન રાત્રે 11 વાગ્યાના અરસામાં કિશોરી રસ્તા પર એકલી મળી આવતાં એક જાગૃત નાગરિકે માનવતા દાખવી તેને પોતાના ઘરે આશરો આપ્યો હતો અને ત્યારબાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી.
ખિસ્સામાંથી મળેલી કાગળની ચિઠ્ઠી પરથી પરિવારનું સરનામું મળ્યું માહિતી મળતાં જ મહિલા અને બાળ સુરક્ષા વિભાગની 181 અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. શરૂઆતમાં કિશોરી પોતાના ઘરનું સરનામું અલગ-અલગ જણાવતી હોવાથી તેના પરિવારનો સંપર્ક કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે, ટીમે કિશોરીનું કાઉન્સેલિંગ કરતાં તેના ખિસ્સામાંથી એક કાગળ મળી આવ્યો હતો, જેમાં મોબાઇલ નંબર લખેલો હતો. આ નંબરના આધારે સંપર્ક કરતાં પરિવારનો પત્તો લાગ્યો હતો.
પરિવાર સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે બાજુના ગામના 24 વર્ષીય યુવકના કારણે તે અગાઉ પણ ત્રણથી ચાર વખત ઘરેથી ભાગી ગઈ હતી. કિશોરીએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, યુવકે જ તેને ઘરેથી બોલાવી હતી, પરંતુ બાદમાં પોતાની સાથે રાખવાની ના પાડી દેતાં તે તેની એક મિત્રના ઘરે જવા માટે નીકળી હતી.

