Gujarat

જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોએ પેટ્રોલિંગ કર્યું

વેસ્ટ એશિયાના તણાવ અને રાજ્યમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની કોસ્ટલ સિક્યુરિટી એક્સરસાઇઝને પગલે જામનગર જિલ્લાના દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સની ટીમોએ ઝિંદ્રા ટાપુ, માસુરા ક્રીક, જુના-નવા બેડી બંદર અને રોઝી બંદર સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું.

મરીન કમાન્ડોએ પગપાળા અને બોટથી દરિયાકાંઠા તથા નિર્જન ટાપુઓમાં તપાસ કરી હતી. દરિયાઈ માર્ગે ઘૂસણખોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, હથિયારો અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા આ કામગીરી કરાઈ હતી.

પેટ્રોલિંગ દરમિયાન ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક એકમો અને અવાવરું વિસ્તારોમાં અજાણી વ્યક્તિઓ તથા શંકાસ્પદ બોટની તપાસ કરવામાં આવી હતી.

આ કામગીરી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ થઈ હતી. દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા, હજીરા મરીન ટાસ્ક ફોર્સના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના નેતૃત્વમાં અને નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પારેખના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરાયું હતું.

મરીન ટાસ્ક ફોર્સના જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ, મરીન કમાન્ડોની ટીમો અને બેડી મરીન પોલીસના કર્મચારીઓએ તપાસમાં ભાગ લીધો હતો.