સુરત જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ બે મૃતદેહ મળી આવવા અને જુગાર રમતા શખ્સો ઝડપાવાની ઘટનાઓ સામે આવી છે. કીમ ચાર રસ્તા પાસે બસ સ્ટેશન નજીક સર્વિસ રોડ પરથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં પાલોદ પોલીસે તપાસ શરૂ કરી છે.
જ્યારે કોસંબા નજીક નેશનલ હાઈવે-48 પર અજાણ્યા વાહનની અડફેટે 60થી 65 વર્ષના અજાણ્યા પુરુષનું મોત થયું છે. બીજી તરફ, કામરેજ તાલુકાના આંબોલીમાં ગંજીપાનાં વડે તીન પત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી રૂ.18,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કીમ ચાર રસ્તા પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો પાલોદ ગામની હદમાં આવેલા કીમ ચાર રસ્તા ખાતે બસ સ્ટેશન નજીક સર્વિસ રોડ પરથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ પાલોદ પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની ઓળખ અને મોતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
કોસંબા નજીક અજાણ્યા વાહનની અડફેટે વૃદ્ધનું મોત માંગરોળ તાલુકાના કોસંબા ગામની સીમમાં સહયોગ હોટલ સામે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-48 પર અજાણ્યા વાહનની અડફેટે 60થી 65 વર્ષના અજાણ્યા પુરુષનું મોત થયું હતું. સાંજના સમયે અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી વૃદ્ધને અડફેટે લીધા હતા.
અકસ્માતમાં તેમને જમણા હાથે ફ્રેક્ચર તેમજ જમણા પગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે તરસાડીના દાદરી ફળિયામાં રહેતા 58 વર્ષીય મજીદખાન સરદારખાન પઠાણે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી ફરાર ચાલક અને વાહનને શોધવા તપાસ હાથ ધરી છે.

