સુરતની સુમુલ ડેરીમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બાદ બદલાયેલા રાજકીય સમીકરણો અને ડિરેક્ટરોની આંતરિક ખેંચતાણની અસર હવે વહીવટી સ્તરે જોવા મળી રહી છે. ડેરીના મેનેજિંગ ડિરેક્ટર (MD) અરુણ પુરોહિતે પોતાની નિવૃત્તિને હજુ 11 મહિના બાકી હોવા છતાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે બે મહિના અગાઉ આપેલા રાજીનામાને મળેલી બેઠકમાં સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ રાજીનામા પાછળના ચોક્કસ કારણો અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
30 નવેમ્બર સુધી પુરોહિત ફરજ બજાવશે, ત્યારબાદ ડો. પાંડે સંભાળશે ચાર્જ મળતી વિગતો મુજબ, અરુણ પુરોહિત આગામી 30 નવેમ્બર સુધી મેનેજિંગ ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવશે. ત્યારબાદ તેમના સ્થાને ડો. પી.આર. પાંડેને ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવાનો નિર્ણય લેવાયો છે. ડો. પી.આર. પાંડેની ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આ સાથે જ તેમને ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે.
પૂર્વ MD ડો. પાંડેની વાપસી, સહકારી ક્ષેત્રની નજર સુમુલના વહીવટ પર નોંધનીય છે કે ડો. પી.આર. પાંડે અગાઉ પણ સુમુલ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે અને નિવૃત્તિ બાદ બારડોલી નાગરિક સહકારી બેંકમાં કાર્યરત હતા. આમ, ડેરીના વહીવટનો બહોળો અનુભવ ધરાવતા પૂર્વ MDને ફરીથી મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. ચૂંટણી બાદ ડિરેક્ટરો વચ્ચેના આંતરિક મતભેદો અને હવે MDના રાજીનામાની મંજૂરી બાદ સુમુલ ડેરીનું આગામી વહીવટી સમીકરણ કેવું રહેશે તેના પર સમગ્ર સહકારી ક્ષેત્રની નજર મંડાઈ છે.

