બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસામાં નાઈટ સફારી પ્રાણી સંગ્રહાલયના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત પરિવારો માટે 8 હેક્ટર જમીનમાં નવું ગામતળ મંજૂર કરાયું છે. પ્રોજેક્ટ માટે સર્વે નંબર 24ની આશરે 103 હેક્ટર જમીન વન વિભાગને સોંપવામાં આવી છે.
રૂ. 542 કરોડના ખર્ચે બની રહેલો આ પ્રોજેક્ટ એશિયાનો પ્રથમ નાઈટ સફારી પ્રાણી સંગ્રહાલય છે. અહીં વર્ષોથી રહેતા 214 પરિવારોના રહેઠાણનો પ્રશ્ન ઉકેલવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
વૈકલ્પિક પ્લોટની ફાળવણી માટે લાયકાત ધરાવતા લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. કુલ 180 અરજીઓ મળી હતી. તાલુકા કક્ષાની લેન્ડ કમિટીએ તપાસ બાદ 140 અરજીઓ મંજૂર કરી છે. મંજૂર થયેલા લાભાર્થીઓને સત્તાવાર સનદ આપવામાં આવશે. આ વ્યવસ્થા હેઠળ તેમને વૈકલ્પિક રહેઠાણ અને કાયદેસર માલિકી હક મળશે.

