વિદેશના બજારોમાં ક્રિસમસના તહેવારોને પગલે લેબગ્રોન ડાયમંડની ભારે ડિમાન્ડ નીકળી છે, ત્યારે જ ચાઈનાની મોટી ઉત્પાદક કંપનીઓએ સુરતના હીરા ઉદ્યોગને મોટો ઝટકો આપ્યો છે. ચાઈનીઝ કંપનીઓએ લેબોરેટરીમાં બનતા એચપીએચટી (HPHT – હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર) રફ ડાયમંડના ભાવમાં સીધો 10% નો ભાવવધારો ઝીંકી દીધો છે.
દિવાળી વેકેશન ખુલતા જ ચાઈનીઝ કંપનીઓએ સત્તાવાર ‘પ્રાઈસ એડજસ્ટમેન્ટ લેટર’ ઇસ્યુ કરીને આ ભાવવધારાની જાણ કરી છે. ચાઈનાના આ પગલાને કારણે સુરત અને ગુજરાતના લેબગ્રોન મેન્યુફેક્ચરર્સની પડતર કિંમત ઊંચી જશે અને આગામી દિવસોમાં તૈયાર એટલે કે પોલિશ્ડ ડાયમંડના ભાવમાં પણ 10% જેટલો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
ઉત્પાદન ખર્ચ અને ચીની ચલણ મજબૂત થવાનું બહાનું વિશ્વમાં લેબગ્રોન ડાયમંડના રો-મટીરીયલનું સૌથી વધુ ઉત્પાદન ભારત અને ચાઈનામાં થાય છે, જેમાં ભારતમાં સીવીડી (CVD) અને ચાઈનામાં એચપીએચટી (HPHT) ડાયમંડ વધુ બને છે.
ચાઈનીઝ કંપનીઓએ ગ્રાહકોને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, કાચા માલસામાનની કિંમતો અને ઉર્જા (એનર્જી) વપરાશનો ખર્ચ વધ્યો છે. આ ઉપરાંત અમેરિકન ડોલર સામે ચીની ચલણ ‘આરએમબી’ (RMB) સતત મજબૂત થઈ રહ્યું હોવાથી કંપનીઓ પર ઓપરેશનલ દબાણ વધ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન ચોથી વખત આ ભાવવધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે આયાત થતી નવી રફ 10% મોંઘી પડશે.

