ભરૂચ
ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલા અમી જડાવ બંગ્લોઝ ખાતે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ બીજેપી આગેવાન ધર્મેશ મિસ્ત્રી પરિવાર સાથે રહે છે. તેમના પત્ની ભાવિનીબેન મઢુંલી સર્કલ નજીક નાલંદા ઇન્સ્ટિટ્યૂટ એન.આર. ઇન્ટિગ્રેશન સંસ્થા ચલાવે છે. જેમાં નર્સિંગ, પેરા મેડીકલના વિવિધ અભ્યાસ ક્રમ ચલાવવામાં આવે છે. જેમણે આ માટે શિક્ષિકા તરીકે દયાદરા નવીનગરી અકુજી કોમ્યુનિટી હોલ ખાતે રહેતા હલીમાબેન ઐયુબ કોળાને ૪ વર્ષથી રાખ્યા હતા. જાન્યુઆરીમાં વિદ્યાર્થીઓની ફી બાકી નીકળતા આવતા ભવીનીબેનની તપાસમાં હલીમાબેને છાત્રો પાસેથી ફી વસૂલી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં તેમણે ૮૫ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૭.૭૦ લાખની ફી વસૂલી સંસ્થામાં જમા નહિ કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે હલીમાબેન, તેમના પતિ અને માતા-પિતાએ સંસ્થામાં આવી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં ઉચાપત કરી દીધેલી ફી ભરપાઈ કરવાની ખાતરી આપી હતી. જાે કે તે બાદ આ લોકો સંચાલકને ધમકી આપી ઉચાપતના નાણાં આપવાનો ઈન્કાર કરી સંસ્થાને બદનામ કરી બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આખરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે હલીમાં કોળા સામે ખોટી રસીદો બનાવી તેના પર સંચાલકની બોગસ સહીઓ કરી ઉચાપત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનની પત્ની સાથે ૪ વર્ષથી સંસ્થામાં ફરજ બજાવતી શિક્ષિકાએ ૮૫ વિદ્યાર્થીઓની ફી ઉઘરાવી લઈ રૂ. ૭.૭૦ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
