Gujarat

જૂનાગઢમાં કચરાપેટીમાં મહાનગર પાલિકાના કરોડો રૂપિયા ગયા હોવાની ફરીયાદ

મનપાના પદાધિકારીઓ દ્વારા સ્પષ્ટ જણાવાયુ કે નબળી કામગીરી ચલાવવામાં આવશે નહી.
સાગર નિર્મળ
જૂનાગઢ
25/06/2022
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કચરાપેટીઓ ખરીદી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરનાં તમામ માર્ગો પર કચરાપેટી પણ મુકવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ કચરાપેટીની ખરીદી અને ગુણવત્તાને લઇ અનેક સવાલ ઉઠ્યાં છે છતાં પણ અઘિકારીઓ કોઈ કારણોસર મોન સેવી રહ્યા છે. કચરાપેટીની ખરીદીની યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે અને મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયનો વ્યય થતો પણ અટકે તેમ છે.
જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા માટે કચરો ફેલાતો અટકે અને સ્વચ્છ જૂનાગઢ બને તેવા હેતુથી કચરા પેટીઓ તો ખરીદવામાં આવી છે. જેમાં સુકો કચરો  બ્લ્યુ કલરના કચરાપેટીમાં અને ભીનો કચરો લીલા કલરની કચરાપેટીમાં એમ બે પ્રકારનાં કચરાપેટીઓ ઠેર ઠેર મુકવામાં આવી રહ્યા છે. જો કે કેટલાક કેટલાક બે ત્રણ દિવસમાં જ તુટી પણ ગયા છે.તો કેટલા કચરાપેટીઓ ગાયબ પણ થઇ ગયા છે તો કેટલાક બિન ઉપયોગી પડયા પણ છે તેમજ કેટલીક જગ્યાએ કચરાપેટીઓ સાવ નકામી બીનઉપયોગી બની રહી છે. આયોજન વિના જ માત્રને માત્ર રૂપિયા વેડફવા
માટે જ કચરાપેટીની ખરીદી થઇ હોય તેવું લાગી રહ્યું છે.
આ અગાઉ પણ જૂનાગઢમાં સોશિયલ મિડિયા પર પણ તેનો વિરોધ થઇ રહ્યો હતો .તેમજ કચરાપેટી ખરીદીમાં કૌભાંડ થયાની પણ ચર્ચાઓ થઇ રહી છે. જૂનાગઢ મનપા દ્વારા ૨ હજાર કચરાપેટીની ખરીદી કરવામાં આવી છે.
કરોડો રૂપિયાની યોગ્ય તપાસ કરવામાં આવે તો કેટલાક અધિકારીઓનાં નામ પણ આવે તેમ છે. મહાનગરપાલીકામાં અગાઉ પણ અનેક કૌભાંડ થયા છે ત્યારે કચરાપેટીની ખરીદીમાં પણ કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. ખાસ ડસ્ટબિનની ખરીદી અને ગુણવત્તાની પણ તપાસ થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠી છે.
બીજી તરફ મહાનગપાલિકાનાં પદાધિકારીઓ, મેયરશ્રી, સ્થાયી સમિતિનાં ચેરમેન, સાશકપક્ષનાં નેતા દ્વારા સ્પષ્ટ જણાવવામા આવ્યું હતું કે કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ પ્રકારની નબળી કામગીરી ચલાવવામાં આવશે નહી અને હાલમાં આ કામગીરી અટકાવી દેવામાં પણ આવી છે. ખાસ વિશેષમાં એવું પણ જણાવ્યુ હતુ કે લોકોને શહેરની સ્વચ્છતા માટે ઉપયોગી થાય તેવા હેતુથી આ પ્રકારની  કચરાપેટીઓ મૂકવામાં આવે છે તો તેની  જાળવણી જાહેર જનતા દ્વારા પણ કરવામાં આવે તે પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *