આણંદ
આણંદના ચરોતરમાં ખેતી બાદ પશુપાલન ગ્રામ્ય કક્ષાએ સૌથી વધુ થતો વ્યવસાય છે.અમૂલ સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદક મંડળી થકી થતા આ વ્યવસાયમાં મંડળી વ્યવસ્થાપકો દ્વારા પશુપાલકોના લાખો રૂપિયા વહીવટનું સંચાલન થતું હોય છે. આ પશુપાલકોની મૂડી પોતાની હોય તેમ ઘણા સંચાલકો ઉપયોગ કરતા હોય છે. જાે કે ઓડિટ દરમ્યાન આવી ખામીઓ સામે આવતાં તે ઝડપાઇ જતાં હોય છે. પેટલાદના અગાસ ગામે આવેલી દૂધ મંડળીમાં ૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન મંત્રી તરીકે કૌશીક ડાહ્યા પટેલ ફરજ બજાવતાં હતાં. તેમણે આ સમયગાળા દરમિયાન ૧૦ લાખ ૨૯ હજાર ૮૩૦ની કાયમી નાણાકીય ઉચાપત કરી હતી. જ્યારે વિરેન્દ્રસિંહ રામસિંહ પરમારે પણ ફરજ પર હોવા છતાં આ ઉચાપતમાં મદદગારી કરી હતી અને બેદરકારી, નિષ્કાળજી દાખવી હતી. આ મામલો જિલ્લા રજીસ્ટ્રારના ધ્યાને આવતાં તેમણે પોલીસ મથકે ફરિયાદ આપવા હુકમ કર્યો હતો. જે હુકમના આધારે વિજય પટેલે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કૌશીક ડાહ્યા પટેલ અને વિરેન્દ્રસિંહ રામસિંહ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પેટલાદ તાલુકાની અગાસ દૂધ મંડળીમાં ૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન ફરજ બજાવતા મંત્રીએ રૂ. ૧૦.૨૯ લાખની ઉચાપત કરી હતી. જે ઉચાપતમાં સંચાલકે પણ બેદરકારી દાખવી હોવાથી બંન્ને સામે પેટલાદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.


