જામનગર જિલ્લાના રંગમતી નદી પર સ્થિત નવનિર્મિત જામનગર- સમાણા-ફુલનાથ ૧૪૪ મીટર લાંબા ‘મેજર બ્રિજ’નું રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોકાર્પણ પ્રસંગે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે જામનગર જિલ્લાને જામજોધપુર તાલુકાને જોડતા જૂના કોઝ-વે પર ચોમાસાની ઋતુમાં પાણી વારંવાર ભરાઈ જતું હતું. જેથી આજુબાજુના અનેક ગામોના લોકોને અવર-જવર કરવામાં ખૂબ હાલાકી પડતી હતી. સરકાર દ્વારા રૂ. ૬ કરોડના ખર્ચે મેજર બ્રિજની કામગીરી ઉપરાંત આર.સી.સી. પિયર, વોલ, પિયર કેપ, સોલિડ સ્લેબ, ક્રેશ બેરિયર, બ્રિજની બંને બાજુ ૧.૫૦ મીટર લાંબા વોક-વે અને ટુ લેન કેરેજ વિડથની કામગીરી પણ મંજૂર કરવામાં આવી હતી. આજે આ મેજર બ્રિજનું લોકાર્પણ થવાથી આજુબાજુના દડિયા, નારણપર, પિપરતોડ, ગલ્લા, વડપંચાસરા, રક્કા, ખંડખંભાળિયા, મોટાપંચાસરા, ભાગલા, સમાણા, દેવદેવળીયા, સદોડર, ફુલનાથ મહાદેવ મંદિર વિસ્તાર આ તમામ ગામોના અનેક લોકો હવેથી બારેમાસ નવનિર્મિત બ્રિજનો અવર-જવર માટે ઉપયોગ કરી શકશે.
કાર્યક્રમમાં નાયબ ઇજનેર શ્રી રાઠોડભાઈ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રી ભરતભાઈ બોરસદિયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હસમુખભાઈ કણજારિયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકુંદભાઈ સભાયા, તાલુકા ઉપ પ્રમુખ વિઠ્ઠલભાઈ માંડવીયા, શ્રી એમ. ડી. મકવાણા, દડિયા ગ્રામ સરપંચ શ્રી રાજુભાઇ લખીપર, નારણપર ગ્રામ સરપંચ શ્રી મહેશભાઈ, ચેલા ગ્રામ સરપંચ શ્રી રાજુભાઇ ભટ્ટી, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

