છોટા ઉદેયપુર
છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના સમડી ગામે બકરા વાળવા જેવી નજીવી બાબતે પુત્રે માતા સામે ગુસ્સે ભરાઇને કુહાડીનો મૂંદર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ પુત્ર ત્યાથી ફરાર થઈ ગયો હતો. જેના પગલે પિતાએ તેમના નાના પુત્ર વિરૂદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પાવી જેતપુર તાલુકાના સમડી ગામમાં રહેતા રમણભાઈ દીપાભાઈ રાઠવાનો નાનો દીકરો ગોપીચંદ બકરા ચરાવવા ગયો હતો. ત્યાંથી બકરા લઇને પાછો આવ્યો હતો. ત્યારે ઘર પાસે મુકેલી મકાઈ પાસે બકરા ન જાય તે માટે વાડામાં કામ કરતી તેની માતા કવિતાબેનને બુમ પાડીને બકરા વાળવા કહ્યું હતું. કવિતાબેન તરત બકરા વાળવા વાડ પાસે પહોંચ્યા હતા, જ્યાં દીકરો ગોપીચંદ કવિતાબેન ઉપર ગુસ્સે ભરાયો હતો અને કેમ બકરા વાળવા વહેલી આવતી નથી કહીને પોતાના હાથમાં રહેલી કુહાડીની મુંદર કવિતા બેનની ડાબી બાજુની પાંસળીની નીચે મારી દીધી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. કુહાડીની મુંદર વાગવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કવિતાબેન થોડીવારમાં જ મોતને ભેટ્યાં હતાં. આ અંગે રમણભાઈએ કદવાલ પોલીસ મથકે પોતાના નાના પુત્ર ગોપીચંદ વિરૂદ્ધ ફરિયાદ કરતા કદવાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

